આત્મખોજ: જિંદગીથી જિંદગી સુધી

સૃષ્ટિમાં પરમતત્વનું પૃથ્વી પરનું અદભુત સર્જન એટલે માનવ. શ્વાસ લેતો, દોડતો, હસતો-રડતો, સંબંધોના તાણાવાણામાં ગુંચવાયેલો માનવ! સર્જનકારે મનુષ્યને લાગણીનાં ભાથા બાંધીને આપ્યા છે. આ લાગણીના તંતુથી બંધાઈને માણસને એક અવલંબન જોઈએ છીએ જેને આપણે સંબંધ નામ આપ્યું છે પણ  સંબંધ ખાલી લાગણી, હુંફ, પ્રેમ નથી જન્માવતો પણ સાથે જન્મ આપે છે ઈર્ષા, ક્રોધ અને દ્વેષ. આવા સંબંધોના સરવાળા કરીએ તો અંતમાં વધે શું?? 

અને આ જ સંબંધોમાંથી બાદબાકી કરવી તો કયા ભાવની…?

બસ આ જ બધા સરવાળા, બાદબાકીમાંથી આત્મખોજ કરવાની છે… મંથન કરવાનું છે… 

મંથન… આ શબ્દ જ કેટલો અદભુત છે નહીં. દેવો અને દાનવો એ જ્યારે ક્ષીરસાગરમાં મેરુ પર્વતને રાખી શેષનાગનું વલોણું બનાવીને સમુદ્રમંથન કરેલું… એમાંથી અદભુત વસ્તુઓ નીકળેલી.. અમૃત કળશ નીકળેલો તો સાથેસાથે હળાહળ ઝેર પણ નીકળેલું. બસ જિંદગીમાં પણ આ જ મંથન કરવાનું છે. હા, ફર્ક બસ એટલો છે કે આમાં દેવ અને દાનવ આપણી અંદર જ બેઠેલા છે… અને હળાહળ પણ શંકર બની આપણે જ પીવાનું છે.

~અપેક્ષા અંતાણીpost

Advertisements

ઋણાનુબંધ

ઉફફફ……. આ તો સાલી કંઈ જિંદગી છે…રોજની એ જ માથાકૂટ… રોજની એ જ કટકટ… સાચે જ કંટાળી ગયો છું… રોજ રોજ કેટલું કહેવાનું તને કે છાપું આવી રીતે નહીં ફેકવાનું. પેલા કૂતરા ચૂંથી નાખે છે પાનાં… રોજ શોધવા નીકળવું પડે… સા…લ્લા…, …., …., …. અને બે ત્રણ ગાળો એના મોઢામાંથી સરી પડી…

     શેરીના નાકે ઉભેલા પસાબાપાને લખમણે હસતાં હસતાં પૂછ્યું, ‘કાકા આજે કોણ કિશોરિયાના ઝપટે આવી ચડ્યું…?’ પસાબાપાએ જીણી આંખ કરી શેરી તરફ જોયું અને  કહ્યું કે, ‘લાગે છે કે આજે છાપાવાળો છાપે ચડ્યો’ અને બંને હસી પડ્યા… ‘અલ્યા મગન બે મસ્ત ચા બનાવ,’ લખમણે ચાવાળાને કહ્યું અને દુકાન પાસેના બાંકડા પર બેઠક જમાવી પછી લખમણે હળવેકથી પસાબાપાને પૂછ્યું કે, ‘હેં બાપા આ કિશોરિયાને કોઈ સમજાવવાવાળું નથી. રોજ આ જ રીતે શેરીમાં મગજમારી કરતો ફરે છે અને હમણાં હમણાં તો તેની માથાકૂટ ઓર વધી ગઈ છે. આને કોઈ રોકતું પણ નથી. એને આખી દુનિયાથી, પોતાની જિંદગીથી શું એવો પોબલેમ છે ??તમે કહો તો હું સીધો ક …. આગળ બોલે એ પહેલાં જ પસાબાપા એ લખમણને અટકાવ્યો અને કહ્યું કે, “તને આવ્યા અહીં હજુ છ-સાત મહિના જ થયા છે પણ હું કિશોરને નાનપણથી જ ઓળખું છું. કોઈને ધરારથી થોડી આવું બનવું હોય છે એ તો સમયના ઘા વાયગા હોય એને જ ખબર પડે ભાઈ. કિશોર અને એના મોટા બે ભાઈઓ, મા-બાપ ભર્યો પૂરો પરિવાર હતો. સમય જતાં બંને ભાઈઓ પરણ્યા અને પોતાની રીતે અલગ અલગ સ્થાયી થયા. પછી પહેલા માની ટૂંકી માંદગી પછી મૃત્યુ અને હજુ એમાંથી કળ વડે ત્યાંજ બાપને પક્ષઘાતનો હુમલો… ભાઈઓ આવ્યા અને સહાનુભૂતિ આપી જતા રહ્યા. થોડાઘણા પૈસાની મદદ કરી અને કહેતા ગયા હતા કે અમે બેઠા છે તું કહેજે અમને કંઈ પણ જરૂર હોય અને ફોન તો છે અમે રોજ ફોન કરી બાપુજીની ખબર પૂછતાં રહીશું… બસ ધીમે ધીમે ફોન કરવાનો સમય લંબતો ગયો, એકાંતરે આવતા ફોન હવે તો સાવ બંધ જ થઈ ગયા. બધા એના સંસારમાં સુખી છે અને બિચારો કિશોર એના બાપની સેવા કઇરે રાખે છે. પરણવાની ઉંમર તો બિચારો ક્યારનો ય વટાવી ગયો. કારણ કોઈ છોકરીને એના બીમાર બાપની સેવા નથી કરવી. બસ જમાનાનો ખાધેલ છે બિચારો. જિંદગી જીવતા જ ભૂલી ગયો છે…

    અને લખમણ અને પસાબાપા કિશોરને સામેથી આવતા જોઈ રહ્યા…
કિશોરે પોતાની જિંદગી નોકરીમાં, બાપુજીની તબિયતનું ધ્યાન રાખવા જેટલી જ સીમિત કરી નાખી હતી પણ એક એવી વ્યક્તિ હતી એના જીવનમાં જેની સામે એનો ગુસ્સો, પોતાની જાત માટેનો કંટાળો જતો રહેતો અને એ હતી પાર્વતી… કિશોર દર મંગળવારે શહેરમાં આવેલા સંકટમોચન હનુમાનજીના મંદિરે જતો. બસ ત્યાં જ ફૂલ અને પૂજાની વસ્તુ વેચતી પાર્વતી. એકવાર એ મંદીરે આવ્યો ત્યારે એના સ્વભાવ મુજબ કોઈ માણસ સાથે એની માથાકૂટ થઇ હતી. ખાલી નાનો ધક્કો લાગવા જેવી બાબત પર એ લડી પડ્યો હતો અને ત્યારે પાર્વતી એ વચ્ચે પડી અને સમાધાન કરાવેલું. તેણે હસીને કહેલું પણ ખરી કે, ‘સાહેબ અટલી અમથી તો જિંદગી છે અને તેમાં પણ તમે આમ લડો છો…’ અને એને હસતા જોઈ જિંદગીમાં પહેલી વખત એ બધું જ ભૂલી ગયો હતો. બસ પછી તો જ્યારે મંગળવારે જતો ત્યારે એની પાસેથી ફૂલ લેતો. થોડી ઘણી વાતો થતી. ધીમે ધીમે એકબીજાંને પોતાની અંગત વાત પણ કહેવા લાગેલાં. કદાચ   પૂર્વજન્મનું કોઈ ઋણાનુબંધ હશે…

હમણાં કેટલો સમય થયો કિશોર મંદીરે જતો પણ પાર્વતી ત્યાં આવતી નહીં. પૂછે તો પૂછે પણ કોને.. આ જ કારણે એનું મન વધુ ખિન્ન રહેવા લાગેલું… આમ ને આમ કેટલા મંગળવાર સુધી ચાલ્યું. પછી તો એણે પાર્વતીની બાજુમાં જ ફૂલ વેચતા એક ડોશીમાને સંકોચથી પૂછી લીધું અને જાણ થઇ કે પાર્વતી બહુ જ બીમાર છે.

     પાર્વતીનો દુનિયામાં નામ લેવા પૂરતો એક જ સંબંધ હતો એની મા અને એ પણ ગુજરી ગઈ હતી. આ આઘાતમાં પાર્વતી બીમાર પડી હતી. આ તકસાધુ સમાજને એ બરાબર જાણતી હતી અને એની સામે ઢાલ સમાન મા પણ જતી રહી હતી. પાર્વતીના લગ્ન પણ થયેલા પણ બિચારી અભાગી જીવની કે લગ્નના એક વર્ષમાં જ પતિ ગુજરી ગયો અને સાસરાવાળાએ એને એની મા પાસે મોકલી આપી અને હવે મા પણ…  
        કિશોર સરનામું શોધી ને ત્યાં પહોંચ્યો. નાની એવી સાંકડી શેરીમાં નાની એવી રૂમ હતી. એણે દરવાજો ખખડાવ્યો. અંદરથી પાર્વતીએ દરવાજો ખોલતાં જ કિશોર એને જોઈ રહ્યો. સાવ ઉંડી ઉતરેલી આંખો કેટલી રાતોથી રડી હશે એ સ્પષ્ટ દેખાતું હતું. શરીરમાં જાણે જીવ જ ના રહ્યો હોય એવો દેખાતો હતો. કિશોરની આંખના ખૂણા ભીના થઈ ગયા. પાર્વતી તો કિશોરને જોતાં જ એને ભેટી ડૂસકે ડૂસકે રડી પડી. કિશોરે તેને સાંત્વના આપતા ત્યારે જ મનમાં એક દ્રઢ નિર્ણય લીધો. 
            સવારના મગનના બાંકડે પશાબાપા અને લખમણ બેઠા હતા. ત્યાં જ એક રીક્ષા શેરીના નાકે આવીને ઊભી રહી. એમાંથી કિશોર પાર્વતી સાથે એક પતરાની પેટી લઈ ઉતર્યો અને આ દ્રશ્ય જોઈ પસાબાપાની અનુભવી આંખોમાં હર્ષનાં આંસુ છલકાયાં…

~અપેક્ષા અંતાણી

શૂન્યમનસ્ક

આજે રવિવાર હોવાથી એ શોપિંગ મોલમાં થોડી વધારે જ ભીડ હતી… લોકો પરિવાર સાથે ઉમટી પડ્યા હતા. એ આ અસંખ્ય લોકોને અને પરિવારને જોઈ રહ્યો હતો. આમ તો એનું કામ મોલના ગેટ પર ઉભા રહી લોકોએ સાથે લાવેલો સામાન જોઈ અને એના પર સીલ મારવાનું હતું. જેથી કરી કોઈ ખાલી પર્સ કે થેલીનો દુરુપયોગ ના કરે. પણ એ સાથે અહીં આવેલા લોકોનું અવલોકન કરવું એને ગમતું. ભાતભાતના લોકો આવતા અને એની કંઈક અલગ જ લાક્ષણિકતા. ક્યારેક કોઈ દેશી ગૃહિણી મોલમાં શોપિંગ કરી પોતાને મોર્ડન દેખાડવા માટે નાહકનો પ્રયાસ કરતી હોય તો એનાથી હસી પડાતું. આવી ગૃહિણીઓ એનાથી થોડા મોર્ડન કપડાં પહેરેલી કોઈ માનુની તેની પાસેથી પસાર થાય અને એ સાથે જ જાણે સ્માર્ટ દેખાડવાની સ્પર્ધામાં ઉતરી હોય એમ થોડાઘણા આવડતા અંગ્રેજીનો પ્રયોગ કરતી હોય…એ મનમાં ને મનમાં હસી લેતો. તો ક્યારેક કોઈ પતિ-પત્નીને મોલમાં મીઠું ઝઘડતા જોઈ રહેતો. પરિવાર સાથે આવેલાં બાળકોના તોફાનો, તો ક્યારેક બજેટની બહારના જવાય એ માટે નાનીમોટી જોઈતી વસ્તુઓનું સમાધાન કરતા અને ચર્ચા કરતા લોકો. ક્યારેક ગામડેથી આવેલા અને જિંદગીમાં પહેલી વખત શોપિંગ મોલ જોયાની આશ્ચર્યની લાગણી અને મોલની ચકાચોંધમાં અંજાયેલી આંખો… આ બધું જ એ નિહાળતો રહેતો એને એ જોવાની મજા આવતી. આ શોપિંગ મોલમાં એને નોકરીએ લાગ્યે એક મહિનો જ થયો હતો.

            કેશવ નામ હતું એનું… ઘરમાં કમાવા લાયક ફક્ત એ એક જ હતો. ઘરમાં આમતો ચાર જણ ખાનારા. પોતે, મા, વૃદ્ધ દાદી અને નાની બહેન. બાપુ તો નાનો હતો ત્યારે જ ગુજરી ગયા હતા. મા બિચારી પાંચ ઘરના ઠામ-વાસણ અને સંજવાળી-પોતાં કરી તનતોડ મહેનત કરી માંડ બે ટંકનું પૂરું કરતી. કેશવને પણ ભણવું હતું અને ૧૨ સુધી ભણ્યો પણ ખરા પરંતુ માની મહેનત જોઈ એણે ભણવાનું છોડી નાની-મોટી નોકરી કરવાનું વિચાર્યું અને એના એક મિત્રની મદદથી એને આ મોલમાં સારી નોકરી મળી પણ ગઈ અને એની મહેનતથી બધા ખુશ પણ હતા. બસ એની એક જ ઈચ્છા હતી કે એની માને પણ ખૂબ સારી જિંદગી આપે. એ પણ સારાં કપડાં પહેરી અને આવા જ કોઈ શોપિંગ મોલમાં મહાલતી જોવા મળે…કેશવ પહેલેથી જ ખૂબ વિચારશીલ અને લાગણીવાળો. એની ઉંમરના છોકરાઓ કરતા એનો સ્વભાવ જ કંઈક અલગ હતો. લોકોની મદદ કરવી,મોટાઓની સેવા એ જાણે ગળથુથીમાં જ મળેલી. આ જ સ્વભાવને કારણે એક મહિનામાં તો એ બધા ઉપરીઓ અને સહકર્મીનો ચહિતો થઈ પડ્યો હતો.
  રવિવાર અને પાછી હોળી-ધુળેટીને કારણે મોલમાં વધુ પડતી જ ભીડ હતી. કેશવને આજે થોડું વધારે ધ્યાન રાખવું પડે તેમ હતું રખે ને કોઈ ચૂક થઈ જાય તો… બપોર થતા ભીડ થોડી ઓછી થઈ. આમ તો એની સાથે બીજા બે જણને પણ એ જ ડ્યુટી પર મૂકેલા હતા. એ કોઈ મહિલાના પર્સનું સીલ ચેક કરી રહ્યો હતો ત્યાં કોઈ વૃદ્ધનો મોટે મોટેથી રાડો નાખતો અવાજ આવ્યો. સહજ રીતે બધાનું ધ્યાન એ તરફ ગયું. કેશવે જોયું કે એની સાથેના મિતેષ સાથે એક વૃદ્ધ લડી રહ્યા હતા. એ રાડો નાખી કહેતા હતા કે, હું કોઈ ચોર લાગું છું તને ? કેમ મારી થેલી તપાસે છે ? હું એવા લોકોમાનો નથી કે જે ચોરી કરે… કેશવ દોડતો મિતેષ પાસે પહોંચ્યો અને ઈશારાથી પૂછ્યું એટલે મિતેષે પૂરી વાત જણાવી કે હું ક્યારનો આ કાકાને ખાલી એની બેગમાં સીલ લગાવવાની વાત કરું છું પણ એ કાકા માનતા જ નથી. કેશવે એ કાકા સામે જોયું. એમની 
વાંકી વળેલી કાયા એના ભૂતકાળની ચાડી ખાતી હતી. કરચલીવાળા કરડા ચહેરામાં જાણે કેટકેટલા વહાણાની વેદના અને આક્રોશ છલકાતો હતો. એણે મિતશને ઈશારાથી કહ્યું કે જવા દે એ કાકાને. 
કાકા તો ગયા પણ કેશવનું મગજ ત્યાં જ ચોંટી ગયું. એની આંખો એ જ વૃદ્ધ ઉપર સ્થિર થઈ ગઈ ખબર નહિ કેમ એને એમાં કોઈ જાણીતી વ્યક્તિ હોય તેવું લાગ્યું. એ યાદ કરવા મથી રહ્યો હતો. એની નજર સતત એ જ વૃદ્ધ પર હતી. અચાનક એના દિમાગમાં ઝબકારો થયો. આ તો એના દવે સાહેબ હતા, એના શિક્ષક. એની આવી દશા જોઈ એ ઓળખી જ ના શક્યો. પહેલા થયું કે આ એનો વહેમ છે કારણ કે દવે સાહેબનો શાળામાં વટ પડતો. એના રૂઆબદાર અને ખૂબ જ કડક સ્વભાવથી ભલભલા વિદ્યાર્થીઓ ડરતા. સાથે સાથે ખૂબ જ સ્વાભિમાની પણ ખરાં. વિદ્યાર્થીને ભણાવવામાં ક્યારેય કંઈ કચાસ ન રાખતા પણ અત્યારે આવી રીતે જોઈને તેને નવાઈ લાગી કારણ કે જ્યારે એ શાળામાં હતા ત્યારે જ બધા પાસેથી જાણવા મળેલું કે એમના બંને છોકરાઓ ખૂબ જ સારા પગારથી વિદેશ સ્થાયી થયા છે. એકને ડોકટરી ભણાવી છે તો બીજાને ઈજનેરી અને બંને દીકરાઓ સારી રીતે ભણે એ માટે એમણે એમની મરણમૂડી પણ ખર્ચી નાખી હતી. હવે તો સાહેબ પણ નિવૃત્ત થઇ ત્યાં જતા રહેવાના. એની આ જ હાલત એની આપવિતીની ચાડી ખાતી હતી. એ વિચાર કરતો હતો ત્યાં જ અચાનક મિતેષે તેને બૂમ પાડી બોલાવ્યો અને કહે, ‘અલ્યા કેશવ જો પેલા કાકાના કારસ્તાન તે એને જવા દીધો અને એણે બ્રેડના પેકેટ અને બીજી ખાવાની વસ્તુ થેલીમાં સરકાવી દીધી છે. ચલ હવે એ કાકાને મજા ચખાડીયે…’ 
કેશવે તરત જ એને રોક્યો અને પાસે ઉભેલા સાહેબને જઇ કહી આવ્યો કે “સાહેબ આ કાકાને જવા દેજો. એણે જે કંઈ થેલીમાં નાખ્યું છે એનું બિલ મારા પગારમાંથી કાપી લેજો.” સાહેબે પૂછ્યું પણ ખરું કે કેમ તારા કોઈ સગા છે ત્યારે કેશવે ખાલી એટલું જ કહ્યું કે, “સાહેબ અત્યારે હું જે પણ છું એ આમના કારણે જ.” કેશવની એમના દવે સાહેબ સાથે વાત કરવાની હિંમત જ ના થઈ અને બસ એ વૃદ્ધને ધીમે ધીમે મોલના પગથિયાં ઉતરતા શૂન્યમનસ્ક જોઈ રહ્યો…

~અપેક્ષા અંતાણી