શૂન્યમનસ્ક

આજે રવિવાર હોવાથી એ શોપિંગ મોલમાં થોડી વધારે જ ભીડ હતી… લોકો પરિવાર સાથે ઉમટી પડ્યા હતા. એ આ અસંખ્ય લોકોને અને પરિવારને જોઈ રહ્યો હતો. આમ તો એનું કામ મોલના ગેટ પર ઉભા રહી લોકોએ સાથે લાવેલો સામાન જોઈ અને એના પર સીલ મારવાનું હતું. જેથી કરી કોઈ ખાલી પર્સ કે થેલીનો દુરુપયોગ ના કરે. પણ એ સાથે અહીં આવેલા લોકોનું અવલોકન કરવું એને ગમતું. ભાતભાતના લોકો આવતા અને એની કંઈક અલગ જ લાક્ષણિકતા. ક્યારેક કોઈ દેશી ગૃહિણી મોલમાં શોપિંગ કરી પોતાને મોર્ડન દેખાડવા માટે નાહકનો પ્રયાસ કરતી હોય તો એનાથી હસી પડાતું. આવી ગૃહિણીઓ એનાથી થોડા મોર્ડન કપડાં પહેરેલી કોઈ માનુની તેની પાસેથી પસાર થાય અને એ સાથે જ જાણે સ્માર્ટ દેખાડવાની સ્પર્ધામાં ઉતરી હોય એમ થોડાઘણા આવડતા અંગ્રેજીનો પ્રયોગ કરતી હોય…એ મનમાં ને મનમાં હસી લેતો. તો ક્યારેક કોઈ પતિ-પત્નીને મોલમાં મીઠું ઝઘડતા જોઈ રહેતો. પરિવાર સાથે આવેલાં બાળકોના તોફાનો, તો ક્યારેક બજેટની બહારના જવાય એ માટે નાનીમોટી જોઈતી વસ્તુઓનું સમાધાન કરતા અને ચર્ચા કરતા લોકો. ક્યારેક ગામડેથી આવેલા અને જિંદગીમાં પહેલી વખત શોપિંગ મોલ જોયાની આશ્ચર્યની લાગણી અને મોલની ચકાચોંધમાં અંજાયેલી આંખો… આ બધું જ એ નિહાળતો રહેતો એને એ જોવાની મજા આવતી. આ શોપિંગ મોલમાં એને નોકરીએ લાગ્યે એક મહિનો જ થયો હતો.

            કેશવ નામ હતું એનું… ઘરમાં કમાવા લાયક ફક્ત એ એક જ હતો. ઘરમાં આમતો ચાર જણ ખાનારા. પોતે, મા, વૃદ્ધ દાદી અને નાની બહેન. બાપુ તો નાનો હતો ત્યારે જ ગુજરી ગયા હતા. મા બિચારી પાંચ ઘરના ઠામ-વાસણ અને સંજવાળી-પોતાં કરી તનતોડ મહેનત કરી માંડ બે ટંકનું પૂરું કરતી. કેશવને પણ ભણવું હતું અને ૧૨ સુધી ભણ્યો પણ ખરા પરંતુ માની મહેનત જોઈ એણે ભણવાનું છોડી નાની-મોટી નોકરી કરવાનું વિચાર્યું અને એના એક મિત્રની મદદથી એને આ મોલમાં સારી નોકરી મળી પણ ગઈ અને એની મહેનતથી બધા ખુશ પણ હતા. બસ એની એક જ ઈચ્છા હતી કે એની માને પણ ખૂબ સારી જિંદગી આપે. એ પણ સારાં કપડાં પહેરી અને આવા જ કોઈ શોપિંગ મોલમાં મહાલતી જોવા મળે…કેશવ પહેલેથી જ ખૂબ વિચારશીલ અને લાગણીવાળો. એની ઉંમરના છોકરાઓ કરતા એનો સ્વભાવ જ કંઈક અલગ હતો. લોકોની મદદ કરવી,મોટાઓની સેવા એ જાણે ગળથુથીમાં જ મળેલી. આ જ સ્વભાવને કારણે એક મહિનામાં તો એ બધા ઉપરીઓ અને સહકર્મીનો ચહિતો થઈ પડ્યો હતો.
  રવિવાર અને પાછી હોળી-ધુળેટીને કારણે મોલમાં વધુ પડતી જ ભીડ હતી. કેશવને આજે થોડું વધારે ધ્યાન રાખવું પડે તેમ હતું રખે ને કોઈ ચૂક થઈ જાય તો… બપોર થતા ભીડ થોડી ઓછી થઈ. આમ તો એની સાથે બીજા બે જણને પણ એ જ ડ્યુટી પર મૂકેલા હતા. એ કોઈ મહિલાના પર્સનું સીલ ચેક કરી રહ્યો હતો ત્યાં કોઈ વૃદ્ધનો મોટે મોટેથી રાડો નાખતો અવાજ આવ્યો. સહજ રીતે બધાનું ધ્યાન એ તરફ ગયું. કેશવે જોયું કે એની સાથેના મિતેષ સાથે એક વૃદ્ધ લડી રહ્યા હતા. એ રાડો નાખી કહેતા હતા કે, હું કોઈ ચોર લાગું છું તને ? કેમ મારી થેલી તપાસે છે ? હું એવા લોકોમાનો નથી કે જે ચોરી કરે… કેશવ દોડતો મિતેષ પાસે પહોંચ્યો અને ઈશારાથી પૂછ્યું એટલે મિતેષે પૂરી વાત જણાવી કે હું ક્યારનો આ કાકાને ખાલી એની બેગમાં સીલ લગાવવાની વાત કરું છું પણ એ કાકા માનતા જ નથી. કેશવે એ કાકા સામે જોયું. એમની 
વાંકી વળેલી કાયા એના ભૂતકાળની ચાડી ખાતી હતી. કરચલીવાળા કરડા ચહેરામાં જાણે કેટકેટલા વહાણાની વેદના અને આક્રોશ છલકાતો હતો. એણે મિતશને ઈશારાથી કહ્યું કે જવા દે એ કાકાને. 
કાકા તો ગયા પણ કેશવનું મગજ ત્યાં જ ચોંટી ગયું. એની આંખો એ જ વૃદ્ધ ઉપર સ્થિર થઈ ગઈ ખબર નહિ કેમ એને એમાં કોઈ જાણીતી વ્યક્તિ હોય તેવું લાગ્યું. એ યાદ કરવા મથી રહ્યો હતો. એની નજર સતત એ જ વૃદ્ધ પર હતી. અચાનક એના દિમાગમાં ઝબકારો થયો. આ તો એના દવે સાહેબ હતા, એના શિક્ષક. એની આવી દશા જોઈ એ ઓળખી જ ના શક્યો. પહેલા થયું કે આ એનો વહેમ છે કારણ કે દવે સાહેબનો શાળામાં વટ પડતો. એના રૂઆબદાર અને ખૂબ જ કડક સ્વભાવથી ભલભલા વિદ્યાર્થીઓ ડરતા. સાથે સાથે ખૂબ જ સ્વાભિમાની પણ ખરાં. વિદ્યાર્થીને ભણાવવામાં ક્યારેય કંઈ કચાસ ન રાખતા પણ અત્યારે આવી રીતે જોઈને તેને નવાઈ લાગી કારણ કે જ્યારે એ શાળામાં હતા ત્યારે જ બધા પાસેથી જાણવા મળેલું કે એમના બંને છોકરાઓ ખૂબ જ સારા પગારથી વિદેશ સ્થાયી થયા છે. એકને ડોકટરી ભણાવી છે તો બીજાને ઈજનેરી અને બંને દીકરાઓ સારી રીતે ભણે એ માટે એમણે એમની મરણમૂડી પણ ખર્ચી નાખી હતી. હવે તો સાહેબ પણ નિવૃત્ત થઇ ત્યાં જતા રહેવાના. એની આ જ હાલત એની આપવિતીની ચાડી ખાતી હતી. એ વિચાર કરતો હતો ત્યાં જ અચાનક મિતેષે તેને બૂમ પાડી બોલાવ્યો અને કહે, ‘અલ્યા કેશવ જો પેલા કાકાના કારસ્તાન તે એને જવા દીધો અને એણે બ્રેડના પેકેટ અને બીજી ખાવાની વસ્તુ થેલીમાં સરકાવી દીધી છે. ચલ હવે એ કાકાને મજા ચખાડીયે…’ 
કેશવે તરત જ એને રોક્યો અને પાસે ઉભેલા સાહેબને જઇ કહી આવ્યો કે “સાહેબ આ કાકાને જવા દેજો. એણે જે કંઈ થેલીમાં નાખ્યું છે એનું બિલ મારા પગારમાંથી કાપી લેજો.” સાહેબે પૂછ્યું પણ ખરું કે કેમ તારા કોઈ સગા છે ત્યારે કેશવે ખાલી એટલું જ કહ્યું કે, “સાહેબ અત્યારે હું જે પણ છું એ આમના કારણે જ.” કેશવની એમના દવે સાહેબ સાથે વાત કરવાની હિંમત જ ના થઈ અને બસ એ વૃદ્ધને ધીમે ધીમે મોલના પગથિયાં ઉતરતા શૂન્યમનસ્ક જોઈ રહ્યો…

~અપેક્ષા અંતાણી

Advertisements

2 thoughts on “શૂન્યમનસ્ક”

 1. આ આપણા સમાજની કરુણ વાસ્તવિકતા છે કે આધુનિક શિક્ષણ પદ્ધતિની ખામી ?

  મને એક વાર્તા યાદ આવે છે
  એક ભણેલો સાહેબ ઘાંચી ને ત્યાં તેલ લેવા જાઈ છે
  ઘાંચી બહાર બેઠો તેલ વેચે છે ને અંદર બળદ ગોળ ગોળ ફરે છે ને તલ પિલાઈ છે
  સાહેબ ઘાંચી ને પૂછે છે તું બહાર બેઠો છે તો અંદર બળદ સાથે કોણ છે ? તને કેમ ખબર પડે કે બળદ તેનું કામ બરાબર કરે છે
  ઘાંચીએ કીધું બળદના ગળામાં ઘંટી બાંધી છે બળદ ચાલે ને ડોકું હાલે ને ઘંટી વાગે ને હું સમજી જાઉં કે કામ થાય છે
  સાહેબે પૂછ્યું ને ધારોકે બળદ ચાલે નહીં ને ઊભા ઊભાજ ડોકું હલાવે તો પણ ઘંટી વાગે ને ?

  ઘાંચી એ સરસ ઉત્તર આપ્યો કે

  સાહેબ બળદ ભણેલો નથી.

  શું આપણું ભણતર ડૉક્ટર એન્જિનિયર ની સાથે શ્રવણકુમાર અને જ્ઞાનેશ્વર પેદા કરી શકે એવું ન હોવું જોઈએ ?

  Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s